હિન્દુ-મુસ્લિમ એકતાનું જીવંત ઉદાહરણ: પોલીસ અને પત્રકારોએ મળીને કરાવી ઇફ્તારી 
મોરબી શહેરના નહેરુ ગેટ ચોક ખાતે માનવતા અને એકતાનો અનોખો દ્રશ્ય જોવા મળ્યો હતો. ફરજ પર તૈનાત પોલીસકર્મીઓ અને પત્રકારોએ સાથે મળીને રોજેદારોને 27મો રોજો ખોલાવી ઇફ્તારી કરાવી હતી. ભરબજારમાં સર્જાયેલા આ પ્રસંગે સૌમાં એકતા અને સૌહાર્દનો સંદેશ પ્રસર્યો હતો.
આજના સમયમાં જ્યાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ અને વિખવાદની ઘટનાઓ સામે આવે છે, ત્યાં મોરબીમાં સર્જાયેલું આ દ્રશ્ય સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે. પ્રજાના રક્ષક તરીકે ઓળખાતા પોલીસ અને સમાજના ચોથા સ્તંભ પત્રકારોએ માનવતા દાખવીને એકતા અને ભાઈચારો મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પ્રસંગે સ્પષ્ટ થયું કે, સમાજમાં ભેદભાવ કરતા એકતા અને માનવતા વધુ મહત્વપૂર્ણ છે. આવા કાર્યોથી સમાજમાં સકારાત્મક સંદેશ જાય છે અને હિન્દુ-મુસ્લિમ એકતાનું સુંદર ઉદાહરણ પ્રસ્થાપિત થાય છે.






