સ્વદેશી અભિયાન શ્રેણી : ૨
“મારો શોખ આજે મારી ઓળખ બન્યો”

કુશળ કારીગરોને આર્થિક સશક્તિકરણ તરફ લઈ જતી પી.એમ. વિશ્વકર્મા યોજના
હવે હું પરિવાર અને વ્યવસાય બંનેને આત્મવિશ્વાસ સાથે સંભાળી શકું છું : લાભાર્થી કાજલબેન સોલંકી
રાજકોટના શ્રીમતી કાજલબેન સોલંકી છેલ્લા ૧૫ વર્ષથી સિલાઈકામ સાથે જોડાયેલા છે. મહિલાઓ માટે વિવિધ પ્રકારના વસ્ત્રો તૈયાર કરવાનો એમને પહેલેથી જ શોખ હતો. પરંતુ આ શોખ વ્યવસાય બની શકે ખરા? તેવા પ્રશ્ન સામે કાજલબેનને જવાબ મળ્યો…પી.એમ. વિશ્વકર્મા યોજના થકી…
દેશના કુશળ કારીગરોને સશક્ત બનાવી તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી પી.એમ. વિશ્વકર્મા યોજના આજે અનેક પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે. ત્યારે આજે વાત કરીએ એક ગૃહિણીના શોખને વાચા આપનારી પ્રેરણાદાયક કહાની વિશે.
કાજલબેને પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “પી.એમ. વિશ્વકર્મા યોજના સાથે હું છેલ્લા બે વર્ષથી સંકળાયેલી છું. આ યોજના અંતર્ગત શરૂઆતમાં મને સાત દિવસની તાલીમ નાણાકીય સહાય સાથે આપવામાં આવી હતી, જેના કારણે મારા વ્યવસાયને મજબૂત આધાર મળ્યો. સાથે સાથે યોજનામાંથી લોનનો લાભ મળતાં હું મારું કામ આગળ વધારી શકી છું. આ યોજના દ્વારા મારી પ્રતિભા રજૂ કરવા માટે મને અનુકૂળ પ્લેટફોર્મ મળ્યું છે. મારા વ્યવસાયમાં એક પાર્ટનર પણ જોડાયેલા છે, જે હેન્ડીક્રાફ્ટ સંબંધિત વિવિધ વસ્તુઓ તૈયાર કરીને તેનું વેચાણ કરે છે.”
કાજલબેનને પી.એમ. વિશ્વકર્મા યોજનાની માહિતી મળ્યા બાદ તેમણે લોન માટે ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ વ્યવસાય માટે તેમને રૂપિયા એક લાખની લોન તેમજ તાલીમ બંનેનો લાભ મળ્યો હતો.
તેઓ વધુમાં જણાવે છે કે, “લોન મેળવવાની સમગ્ર પ્રક્રિયા સરળ હતી, ઉપરાંત વ્યવસાયમાં સતત પ્રગતિને કારણે હું સમયસર લોનની ભરપાઈ પણ કરી શકી છું.”
પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત વિવિધ સ્થળોએ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવે છે, જેમાં કાજલબેન જેવા પ્રતિભાશાળી કલાકારોને પોતાની કુશળતા દર્શાવવાની તક મળે છે. આ યોજનાના માધ્યમથી તેઓ કુશળતા અને આત્મવિશ્વાસના બળે પોતાના શોખને વ્યવસાયમાં પરિવર્તિત કરી નવી ઉડાન ભરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, પી.એમ. વિશ્વકર્મા યોજના હેઠળ વિવિધ ૧૮ કલાના કારીગરોના કૌશલ્યના વિકાસને તક આપવામાં આવે છે. આ યોજના દ્વારા વિશ્વકર્મા ભાઈ- બહેનોને તબક્કાવાર રૂ ૩,૦૦,૦૦૦/- સુધીની ગેરંટી વગરની લોન, રૂ ૧૫,૦૦૦/- સુધીની ટુલકીટ સહાય, સ્કીલ અપગ્રેડેશન માટે ઉચ્ચકક્ષાની તાલીમ તથા કારીગરો દ્વારા ઉત્પાદન કરેલ વસ્તુ પર ક્વોલિટી સર્ટીફિકેટનો લાભ મળશે. કારીગરોને તાલીમ દરમ્યાન પ્રતિ દિન રૂ ૫૦૦/-નું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે.






